Posts filed under ‘જીવન સંધ્યા….’

જીવન સંધ્યા

 

આજે મારા જીવનના ૭૫ વર્ષ પુરા થાય છે ત્યારે…..

જીવન સંધ્યા

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે ચાર આશ્રમની વ્યવસ્થા ગોઠવાઇ છે એ પ્રમાણે જોવા જઈએ તો વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ વચ્ચેનો સંધિકાળ એ જ આ જીવનનુ ૭૫મુ વર્ષ. આ સમયનો સંધિકાળ એટલે જીવન સંધ્યા.

દરેકે પોતાના રસના ક્ષેત્ર જાતે જ નક્કી કરવાના છે. અને એક વાર એ ક્ષેત્ર નક્કી થાય એટલે ખેડાણ પણ જાતે જ આદરવાનુ છે. જીવનનુ ૭૫મુ વર્ષ તો બાકીની જીંદગીની પા પા પગલી કરતી શરૂઆત છે. આ સમય એવો છે કે જ્યારે જેના માટે આખુ જીવન વ્યતિત કર્યુ હોય એવા સ્વજનો પાસે તમારા માટે ફાળવવાનો કદાચ સમય ન પણ હોય; ત્યારે એકલતા અનુભવવાના બદલે મનને
સાબૂત રાખવા મનગમતી પ્રવૃત્તિથી એકાંત ઉજાળવાનો પ્રયાસ કરવાનો છે. બની શકે કે સમય જતા શરીર પણ મનની વૃત્તિઓને સાથ આપવા જેટલુ સક્ષમ ન પણ રહે.પણ મન સાબૂત રાખીને તનને પ્રવૃત્તિમય રાખવાનો ઉદ્યમ તો ચોક્કસ કરીજ શકાય.

આજના મારા આ જીવન સંધ્યાના પર્વના દિવસે ઇશ્વરને મારી હ્રદયપૂર્વકની પ્રાર્થના કે, મને અને મારા જેવા જીવન સંધ્યાના ઉંબરે ઉભેલા તમામને આ સમજ ,શક્તિ અને સંકલ્પની સૂઝ આપજો.

આ પ્રસંગે મારા ૫૪ વર્ષના દામ્પત્ય જીવનમાં સતત ઉષ્માભર્યો સાથ-સહકાર આપનાર જીવન સંગીની ઇન્દુનો હું ઋણ સ્વીકાર કરું છું.

ચી. રાજુલ શાહ દ્વારા મારા ૭૬ માં વર્ષના પ્રવેશ નિમિત્તે આલેખાયેલ પ્રાસંગિક લેખમાંથી સાભાર. પુરા લેખ માટે જુઓ : -

http://www.rajul54.wordpress.com

કલ્યાણ સી . શાહ

www.kalyanshah.wordpress.com


………………………………………………………………………………………………………………………………………………………………………………………..

જીવન સંધ્યા….

સૂર્યના આગમન સાથે શરૂ થતો થતો દિવસ મધ્યાને પહોંચે અને હળવેથી સાંઝ બની ને આથમી જાય રાતના અંધારા આપણા અસ્તિત્વને એના આગોશમાં લપેટીને ઢબૂરી દે. અને આપણે પણ એક બીજા દિવસને , એક નવી પ્રભાતને આવકારવાની તૈયારી સાથે નિશ્ચિંત મને એ રાતમાં આપણી જાતને ઓગાળી દઈએ છીએ ને?

એક જન્મથી બીજા  જન્મ સુધીની આપણી સફર પણ આ એક દિવસ જેવી જ નથી? જીવનનુ પ્રભાત એ આપણુ પા પા પગલી પાડતુ બચપન. યુવાનીનો મધ્યાન તપે  અને હળવેથી પ્રૌઢાવસ્થા એટલે કે જીવન સંધ્યામાં ઢળી જાય. અને અહીંથી શરૂ થાય છે એક નવજીવનને આવકારવાની પ્રક્રિયા.ક્ષિતિજે મળતી અવની અને આકાશનુ અદભૂત મિલન એકમેક માં ભળી જાય એવી રીતે જીવનના અનુભવો અને સમજણ નુ જો સુરેખ મિલન થાય તો એ જીવન સંધ્યાના અવનવા રંગો ઢળતી ઉંમરના ઘેરા અને કદાચ અકલ્પ્ય -અસહ્ય રંગો પર નવી આભા ઉભી કરીને  એ ઘેરા રંગોને થોડા આછા કરી જ શકે. અને તો જ  વ્યક્તિ નવજીવન માટે નિશ્ચિંત મને જીવને શિવના- આત્માને પરમાત્માના મિલન માટે જાતને ઓગાળી શકે.

હિન્દુ સંસ્કૃતિ  પ્રમાણે જે ચાર આશ્રમની વ્યવસ્થા ગોઠવાઇ છે એ પ્રમાણે જોવા જઈએ તો વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ વચ્ચેનો સંધિકાળ એ જ આ જીવનનુ ૭૫મુ વર્ષ. આ સમયનો સંધિકાળ એટલે જીવન સંધ્યા.

આજ સુધી સ્વજન માટે કરેલી દોડને અટકાવીને પોતાની જાત માટે – સ્વને શોધવાનો સમય.ઉમાશંકર કહે છે એમ ”હું મને મળવા આવ્યો છુ”
સમજણ આવી ત્યારથી બીજાને સમજવાની અને બીજાને સાચવવાની મથામણમાં ક્યારેક વ્યક્તિ પોતાની જાતને ખોઇ નાખતી હોય છે. હવે સમય શરૂ થાય છે આત્મખોજનો. આજ સુધી બીજા માટે વ્યતિત કરેલા જીવનના વર્તુળને સમેટીને સ્વને કેન્દ્ર બિંદુ સ્થાને મુકીને સમય પસાર કરવાનો મોકો હવે મળે છે. પણ સાવ જ એવા સ્વકેન્દ્રી બનવાના
બદલે  નિવૃત્તિમાં પ્રવૃત્તિ આદરવાનો આ સમય સ્વની સાથે સ્વજનને પણ સમૃધ્ધ બનાવે તો ? સાચા અર્થમાં જીવન સાર્થક થયુ ન કહેવાય? સમૃધ્ધિ  ભૌતિક હોય એ સર્વ સામાન્ય વાત છે અહીં તો આટ્લા વર્ષોનો અનુભવ નિચોડ સિંચીને સ્વ અને સ્વજનને સમૃદ્ધ બનવા બનાવવાની વાત છે.

સાવ મોકળા મને જીવવાના આ સમયને સમય સાચવવાની કોઇ જાતની પાબંદી હોતી નથી ત્યારે જ કદાચ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ થતો હશેને? આ શ્રેષ્ઠ ઉપયોગ પ્રત્યેક વ્યક્તિએ વ્યક્તિએ અલગ તો રહેવાનો જ. ધર્મની સાથે કર્મને સાંકળીને યથાયોગ્ય જીવાતા જીવનના અંતે વ્યક્તિ પોતાની જાત માટે સંતોષ લઈ શકે એવી પ્રવૃત્તિ થી નિવૃત્તિને ઉજાળવાનો પ્રયાસ એટલે જા જીવન સંધ્યા.

નિવૃત્તિ શબ્દને શબ્દદેહે જીવનમાં જેણે વણી લીધો છે એને આ નિવૃત્તિનો ચોક્કસ ભાર લાગવાનો . શરીરથી સક્ષમ હો અને ફરજીયાત નિવૃત્તિ લેવાની વાત આવે એ વ્યક્તિને તોડી નાખતી હોય છે પણ નિવૃત્તિને મરજીયાત અને મનગમતી પ્રવૃત્તિ સાથે જોડી દેવાથી એને રસપ્રદ બનાવી જ શકાય ને? આ રસપ્રદ પ્રવૃત્તિ પણ વ્યક્તિ વ્યક્તિ એ અલગ તો હોવાની જ.

દરેકે પોતાના રસના ક્ષેત્ર જાતે જ નક્કી કરવાના છે. અને એક વાર એ ક્ષેત્ર નક્કી થાય એટલે ખેડાણ પણ જાતે જ આદરવાનુ છે. જીવનનુ ૭૫મુ વર્ષ તો બાકીની જીંદગીની  પા પા પગલી કરતી શરૂઆત છે. આ સમય એવો છે કે જ્યારે જેના માટે આખુ જીવન વ્યતિત કર્યુ હોય એવા સ્વજનો પાસે  તમારી માટે ફાળવવાનો કદાચ સમય ન પણ હોય. ત્યારે એકલતા અનુભવવાના બદલે  મનને
સાબૂત રાખવા મનગમતી પ્રવૃત્તિથી એકાંત ઉજાળવાનો પ્રયાસ કરવાનો છે. બની શકે કે  સમય જતા શરીર પણ મનની વૃત્તિઓને સાથ આપવા જેટલુ સક્ષમ ન પણ રહે.પણ મન સાબૂત રાખીને તનને પ્રવૃત્તિમય રાખવાનો ઉદ્યમ તો ચોક્કસ કરીજ શકાય.

આજના મારા આ જીવન સંધ્યાના પર્વના દિવસે ઇશ્વરને મારી હ્રદયપૂર્વકની પ્રાર્થના મને અને મારા જેવા જીવન સંધ્યાના ઉંબરે ઉભેલા તમામને આ સમજ ,શક્તિ અને સંકલ્પની સૂઝ આપજો.

રાજુલ શાહ

http://www.rajul54.wordpress.com

November 30, 2011 at 1:19 am Leave a comment


Recent Posts

Flickr Photos

LETS SWING MY VALENTINE

LETS SWING MY VALENTINE

LETS SWING MY VALENTINE

DSC_6128

More Photos
© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.
free counters

Blog Stats

  • 4,585 hits

Follow

Get every new post delivered to your Inbox.