Posts filed under ‘જીવન સંધ્યાનું સ્વાગત’’

જીવન સંધ્યાનું સ્વાગત’

જીવન સંધ્યાનું સ્વાગત’

વ્રુદ્ધાવસ્થા’ શબ્દનો ડર ? ના, ના… મને એવો ડર જરીકે લાગતો નથી. મને આ શબ્દોની લેશમાત્ર બીક નથી, કારણ કે ઘડપણ મારા જીવનનાં બારણાં ખખડાવે તે પહેલાં, તેના સ્વાગતની મેં તૈયારી કરી લીધી છે. કેવી છે આ તૈયારી ?

વ્રુદ્ધાવસ્થા સામે તમે કઈ દ્રશ્ટીએ જુઓ છો, તેનું ખુબ મહત્વ છે. તમારા જીવનના આંગણે તીથી આપીને આવનારો એ મહેમાન, તમારો જીગરજાન દોસ્ત પણ બની શકે; અને તમારો જીવલેણ શત્રુ પણ બની શકે. એનો આધાર તમારા અભીગમ પર છે, તમારા દ્રશ્ટીકોણ પર છે. કોક વહેલી સવારે, અચાનક અરીસામાં જોતાં માથા પર હરતો ફરતો કોઈ સફેદ વાળ તમારા હૃદયમાં હાહાકાર વર્તાવે છે કે હાશકારો કરાવે છે, તેનો આધાર છે તમારા દ્રશ્ટીકોણ પર. તમારી માનસીક તૈયારી થઈ ગઈ હશે, તો તમે એ વ્રુદ્ધાવસ્થાને આવકારવા તત્પર થઈને ઉભા રહેશો. જીવનના મહામુલાં વર્શો ખરચીને આગણે આવેલી આ વ્રુદ્ધાવસ્થા તમારા માટે અણમોલ રતન બની જશે.

ગુજરાતના એક સુપ્રસીદ્ધ સ્વર્ગસ્થ લેખકનો આ દાખલો છે. સદગત શ્રી રસિકભાઈ ઝવેરી ઈન્ગ્લેન્ડના પ્રવાસે જાય છે. લંડનની શેરીઓમાં ભટકતાં ભટકતાં એ અલગારી પ્રવાસી એક નાનકડી ગલીમાં પ્રવેશે છે. જ્યાં સામે નજરે પડે છે – એક કેશગુંફન તથા કેશસુશોભનની દુકાન. દુકાનમાં બેઠેલી બહેને એમને બોલાવ્યા એટલે કુતુહલવશ એ ત્યાં ગયા. પેલાં બહેન બોલ્યાં : ‘જુઓ મહાશય, તમારા વાળ ધોળા થઈ ગયા છે. તમે આ ખુરશીમાં બેસો, ઘડીકમાં હું આ તમારા ધોળા વાળને કાળાભમ્મર કરી દઈશ. મુંઝાશો નહીં, આ માટે તમારે કોઈ કીમ્મત ચુકવવી નહીં પડે. ડેમોન્સ્ટ્રેશન કરવા માટે સામેથી હું તમને વાળ રંગવાની શીશી ભેટ આપીશ.’

ખુબી લેખકના જવાબમાં છે. એ સફેદ વાળ હેઠળ એક ગજબનું સ્વસ્થ વ્યક્તીત્વ બેઠેલું છે, તેનું ભાન આ જવાબમાં થાય છે. રસિકભાઈ કહે છે, ‘માવડી મારી, માથાના કાળા વાળને ધોળા કરવા માટે મેં મારી જીંદગીનાં મહામુલાં પચાસ પચાસ વર્શો ખરચ્યાં, તે આમ પાણીના મુલે ઘડીકમાં કાળા કરાવી દઉં ! ના માવડી ના !’

કાળા વાળનું સફેદ વાળમાં રુપાંતર એ કેવળ કોઈ સ્થુળ રુપાંતર નથી. આપણા કાન જો સાબદા હોય તો આ રુપાંતર કેવળ વાળનું નથી, આપણી વ્રુત્તીઓનું પણ છે. ભીતર કશુંક બદલાવા માંગે છે. અંદર કોઈ ક્રાંતી સર્જાવાની છે; તેનો આ સળવળાટ છે, પણ આપણે આપણી દોડધામવાળી, કોલાહલભરેલી જીંદગીમાં અંદરના અવાજ, અંદરના સળવળાટ તરફ ધ્યાન આપવા નવરાં જ પડતાં નથી અને પછી ચાલતી રહે છે – ‘વો હી રફતાર બેઢંગી !’

શ્રી રસિકભાઈ ઝવેરીના આ જવાબમાં માનવના જીવનનું એક પરમ સુંદર સત્ય છુપાયેલું છે. વ્રુદ્ધાવસ્થા એ માનવજીવનને ઈશ્વર તરફથી મળેલો અભીશાપ નથી, બલકે વરદાન છે. જીવનની અત્યંત કીંમતી મુડી ખર્ચીને પ્રાપ્ત થતી એ કમાણી છે. એટલી વાત સાચી કે તે ચીંથરે વીંટ્યું રતન છે, પણ મોટા ભાગનાં લોકોનું એ રતન ધુળભેગું થઈ જતું હોય છે. ઘડપણ બહારથી ઉપલક દ્રશ્ટીએ તો, જેમ ચીંથરું જોવું ન ગમે, તેવી જીવનની અણગમતી ચીંથરેહાલ સ્થીતી જ છે. માથાના વાળ ધોળાભખ્ખ, ચામડી લબડી જાય, ઠેર ઠેર કરચલીઓ, મોઢું સાવ બોખલું અને પગ તો જાણે ગરબે ઘુમે ! પણ સવેળા ચેતી જવાયું હોય, અને સમગ્ર જીવન અંગેની સાચી સમજ કેળવાઈ હોય તો ઉપરનાં આ બધાં ચીંથરાં સરી પડે છે અને અંદરનું ઝળહળતું રતન ઝગમગી ઊઠે છે.

દીવસ-રાતના ચોવીસ કલાક, એમાં મોંસુઝણું થાય, આભા પ્રગટે, ઉશા આવે, પ્રભાત પ્રસરે, સુરજ ઉગે, સવાર પડે. સુરજ માથે ચઢે, બપોર થાય, વળી પાછું મધ્યાહ્ન થાય અને સલુણી સંધ્યા અને સમીસાંજ પ્રગટે; અને પછી રાત, મધરાત અને પાછું પરોઢ ! દીવસ-રાતના આ એકએક સમયનું – કાળખંડનું પોતાનું એક આગવું સૌંદર્ય છે!

પ્રત્યેકનો એક આગવો આનંદ હોય છે. આવું જ જીવનનું ! શું શીશુઅવસ્થા, શું બાળપણ, કીશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા કે શું ઘડપણ ! દરેક અવસ્થાને પોતાનું સૌંદર્ય અને પોતપોતાની સમસ્યાઓ હોય છે. સમસ્યાઓ હોવી એ કાંઈ જીવનઘાતી વસ્તુ નથી. એ તો જીવનનો પડકાર છે. સમસ્યાઓને કારણે જીવનના ઉંડાણ અને સૌંદર્યો ખુલતાં હોય છે. વ્રુદ્ધાવસ્થામાં કદાચ સમસ્યાઓ વધારે હશે અને એ સમસ્યાઓના ઉકેલમાં જ એનો આનંદ અને સર્જકતા માટે વધારે અવકાશ ભર્યો પડ્યો છે.

આપણામાંનાં મોટાભાગનાં લોકોએ શ્રી રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરવિન્દ કે વિનોબાને વૃદ્ધાવસ્થામાં જોયા ન હોય, પણ એમની તસ્વીર તો મોટાભાગનાં લોકોએ જોઈ હશે ! ગુરુદેવની એ વયોવૃદ્ધ છબી કેટલી મનોહર છે! માથાના રુપેરી વાળ જાણે એમના સૌંદર્યની વસંત બનીને ફરફરે છે ! એમની આંખોનું તેજ ! ચહેરા પર સ્મીતમાં તો જાણે ત્રણેય ભુવનનો આનંદ ઘુંટાઈ ઘુંટાઈને કાલવાયો ન હોય! ક્યાંથી પ્રગટ્યું આ સૌંદર્ય !

વિનોબાની 85 વર્ષની વયે ચામડી જુઓ, જાણે હમણાં જ તાજા જન્મેલા બાળકની સ્નીગ્ધ સુંવાળી, માખણ જેવી મ્રુદુ ચામડી ! શું આ મહાનુભાવો કોઈ બ્યુટી પાર્લર (સૌંદર્ય પ્રસાધન કેન્દ્ર) માં જઈ કોઈ પાવડર, ક્રીમ કે કોસ્મેટીક લઈ આવતા હશે ? શું છે આ સૌંદર્યનું રહસ્ય ?

રહસ્ય છે – જીવન અંગેની સમજ ! સાચી સમજણમાંથી જ જીવનનું સાચું સૌંદર્ય અને સાચું શીલ પ્રગટી ઉઠે છે ! અને આપણા દેશની ખુબી તો જુઓ ! અંગ્રેજીમાં ઘરડા માણસને કહેશે ‘ધ ઓલ્ડ મેન’ – જુનો માણસ. જ્યારે ભારતીય ભાશા એને કહે છે – ‘વૃદ્ધ !’ આ ખખડી ગયેલા દેહવાળો મનુશ્ય જુનો મનુશ્ય નથી. એ તો વ્રુદ્ધ છે. વ્રુધ્ધી પામેલો અને વળી સતત વ્રુધ્ધી પામનારો, નીત્યનુતન, નીત્યવર્ધમાન વ્રુધ્ધ છે. શું આ વ્રુધ્ધાવસ્થાના ટોપલામાં કેવળ વર્ષોનો ઢગલો જ ભરેલો છે ?

જી નહીં, એમાં તો છે જીવનનો અમુલ્ય અનુભવ ! ભાતભાતના અનુભવોથી સીંચાઈને પ્રાણવંત બનેલા જ્ઞાનના તાણા અને જીવનની આકરી તાવણીમાંથી અણીશુદ્ધ તવાઈ, તવાઈને બહાર નીકળેલા તપના વાણાથી વણાયેલી જીવનની આ ચાદર છે. વ્રુધ્ધના પ્રત્યેક સફેદ વાળમાં અને એના દેહ પર પડતી પ્રત્યેક કરચલીમાં વીતેલાં વર્શોનો એક ઈતીહાસ છુપાયો છે. જીવાયેલા શ્વાસોછ્વાસનો ધબકાર ગોપાયો છે. જીવનમાં કેટલાંક શાશ્વત સત્યોને આત્મસાત કરી પાલવમાં સંતાડીને આ વ્રુધ્ધાવસ્થા આવતી હોય છે. વ્રુધ્ધાવસ્થામાં પ્રગટતી શરીરની ક્ષીણતા એક પલ્લામાં મુકો અને બીજા પલ્લામાં જીવનભરના અનુભવોનું ભાથું મૂકો; તો બીજું પલ્લું નમી જશે.

આમ વ્રુધ્ધાવસ્થા એ તો જીવનની વ્રુધ્ધી સમ્રુધ્ધી અને સીધ્ધીનો સંકેત છે. વ્રુધ્ધાવસ્થા એટલે કેવળ વર્શોનો, ક્ષણોનો સરવાળો નથી, એ તો પશુજીવનમાં પણ થાય છે. પણ માનવીની વ્રુધ્ધાવસ્થામાં તો ક્ષણોની સાથોસાથ જીવનભરના જ્ઞાન, અનુભવ, તપ, સ્નેહ, સેવા અને સુજનતાના સરવાળા થતા હોય છે.

આનો અનુભવ આપણને વનસ્પતીસ્રુશ્ટીમાં પણ થાય છે. આંબાની જ વાત કરીએ. લીલીછમ્મ કાચી કેરી ખાટી લાગશે. કોઈને માથામાં મારો તો લોહીની ધાર છુટી જાય તેવી સખત હોય છે, પણ એ જ લીલીછમ્મ કેરી જ્યારે પાકટ બનીને સોનેરી થાય ત્યાર પછીના તેના રસની મધુરતાને કોની સાથે સરખાવી શકીશું ? જાણે પ્રુથ્વી પરનું અમૃત! તો આંબો જો વયોવ્રુદ્ધ થઈને આવો અમ્રુતરસ રેલાવી શકે તો મનુશ્યમાં તો વીશેશ ચૈતન્ય પ્રગટે છે ! જીવનના આંબાવાડીયામાં વ્રુધ્ધાવસ્થા આવે તો કેવળ મીઠોમધ મધુર રસ રેલાવવા માટે જ આવે. માણસમાં રહેલ અંધકાર જ્યારે સાવ ગળી જાય છે; ત્યારે તેમાંથી રસસુધા ઝરે છે. આ જ છે માણસનું સત્વ. માણસ એટલે નર્યો દેહ નથી. મન, બુધ્ધી, ચીત્ત, અંત:કરણ એ માનવીનો આંતરદેહ છે. વ્રુધ્ધાવસ્થામાં બહારનો સ્થુળ દેહ ખખડી જાય છે, પણ જીવનભરના તપથી શુદ્ધ થઈ, અગ્નીમાંથી પસાર થયેલા સુવર્ણની જેમ વ્રુધ્ધ માણસનું આંતરીક વ્યક્તીત્વ ઝળહળી ઉઠે છે.

આમ વ્રુધ્ધાવસ્થા અંગેની આવી સાચી, સ્વસ્થ પાકટ સમજ કેળવવી – તે બની જાય છે પુર્વતૈયારી. મોટાભાગના લોકો માટે વ્રુધ્ધાવસ્થા એ પોતાના સમસ્ત જીવનના ફળરુપે, પરીપાકરુપે, આવી મળેલું પરીણામ છે, નીશ્પત્તી છે. પુર્વજન્મનાં કર્મો, ટેવો, વ્રુત્તીઓ, વલણો જેવાં હશે તે મુજબની વ્રુધ્ધાવસ્થા ઘડાતી આવે છે. એટલે જ વ્રુધ્ધાવસ્થાનું સમસ્ત સૌંદર્ય પ્રગટ થાય એ માટે પુર્વજીવનમાં થોડો અભ્યાસ થાય, થોડું ઘરકામ (હોમવર્ક) થાય એ જરૂરી છે. વ્રુધ્ધાવસ્થામાં માથે ચમકતા રુપેરી વાળની પોતાની એક સુંદર અને પવીત્ર સ્રુશ્ટી છે. એ રુપેરી વાળ હેઠળના મસ્તીશ્કમાં એક ભવ્ય હીમાલય સર્જી શકાય છે. જ્યાંથી સૌને પાવન કરનારી પુણ્યસલીલા ગંગા વહી શકે.

- મીરાંબેન ભટ્ટ ( ‘ જીવન સંધ્યાનું સ્વાગત’ પુસ્તકમાંથી )
Like it?
Be the first to like this post.
નીબંધ, મીરાંબેન ભટ્ટ

November 6, 2011 at 3:22 pm Leave a comment


Recent Posts

Flickr Photos

LETS SWING MY VALENTINE

LETS SWING MY VALENTINE

LETS SWING MY VALENTINE

DSC_6128

More Photos
© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.
free counters

Blog Stats

  • 4,585 hits

Follow

Get every new post delivered to your Inbox.