Posts filed under ‘ગીરા ધોધ- કુદરતે છુટે હાથે સૌંદર્ય પાથર્યું છે’
ગીરા ધોધ- કુદરતે છુટે હાથે સૌંદર્ય પાથર્યું છે
ચોમાસામાં જો તમે કુદરતના સૌંદર્યને મન ભરીને માણવા માગતા હો તો તેના માટે ગુજરાતના ડાંગ જિલ્લા કરતાં બીજુ કોઈ ઉત્તમ સ્થળ ન હોઈ શકે. આદિવાસીઓની બહુમતી ધરાવતા એવા ડાંગ જિલ્લાની વાત કરીએ તો અહીં ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન એવું સાપુતારા આવેલું છે. અહીં ઉનાળામાં પણ ખુશનુમા વાતાવરણનો અહેસાસ થાય છે. જો કે ડાંગ જિલ્લામાં સાપુતારા એક માત્ર ફરવાનું સ્થળ નથી, આ સિવાય પણ ઘણા સ્થળો એવા છે જેનો પ્રવાસ જિંદગીની યાદગાર પળો બની જાય છે. ડાંગ જિલ્લાનું આવું જ એક સ્થળ એટલે ગીરા ધોધ.
સહ્યાદ્રિની પર્વતમાળાથી ગૂંથાયેલો અને વનરાજીથી છલકાતા રમણીય સ્થળ એવા ડાંગ જિલ્લામાં કુદરતે છુટે હાથે સૌંદય પાથર્યું છે. ડુંગરો અને કોતરોમાંથી નીકળતા ઝરણાં અતિ રળિયામણા લાગે છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ડાંગમાં ધોધમાર વરસાદ પડતા અનેક ધોધ જીવંત થયા છે. ડાંગમાં નાના-મોટા મળી ૫૦થી વધુ ધોધ આવેલા છે. જેમાં ગીરા, ગીરમાળ, મોના વગેરે ધોધોએ પ્રવાસીઓમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યું છે.
ગીરા ધોધ વઘઈથી સાપુતારા જતાં રસ્તામાં છ કિલોમીટરના અંતરે આવેલો છે.સાપુતારાથી આશરે 52 કિલોમીટરના અંતરે વઘઈ ટાઉન આવેલું છે. વઘઈએ પ્રકૃતિના ખોળામાં આળોટતું નગર છે. જુલાઈથી ઓગસ્ટ દરમિયાન જ્યારે ચોમાસાની ઋતુ બરાબર જામી હોય ત્યારે આ સ્થળની મુલાકાત લેવી એક લ્હાવો છે.
ગીરા ધોધની વાત કરીએ તો જંગલમાં ખૂબ જ હરિયાળીની વચ્ચે આવેલો છે. એમાં પણ જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન ચોતરફ હરિયાળી જ હરિયાળી હોય ત્યારે અહીં એવું નયનરમ્ય દ્રશ્ય ઉભું થાય છે કે જાણે સ્વર્ગ સાક્ષાત પૃથ્વી પર ઉતરી આવ્યું ન હોય. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ જોઈએ તો પણ આ સ્થળ ઉત્તમ છે, અહીં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે. ગીરા ધોધની ઉંચાઈ આશરે 30 મીટર જેટલી છે.
ડાંગના જંગલોમાંથી નીકળતી અંબિકા નામની નદી પર આ ધોધ આવેલો છે. ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે નદીમાનું પાણી ધોધના સ્વરૂપે નીચે પડે છે. રૌદ્રપણે પડતો ધોધ આગળ જતાં શાંત-સૌમ્ય નદીનું રૂપ ધા૨ણ કરી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગામો અને બીલીમોરા તરફ અગ્રેસ૨ થાય છે.
ક્યાં આવ્યો છે ગીરા ધોધ?
ડાંગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં અંબિકા નદી પર વઘઇ નજીક આવેલ ગિરા ધોધ, જે આંબાપાડા ગામ પાસે આવેલો છે. વઘઇથી સાપુતારા જતા માર્ગ પર વઘઇથી આશરે ૪(ચાર) કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં માત્ર દોઢ કિલોમીટર જતાં આ ધોધ જોવા મળે છે.
ગીરા ધોધ સુધી કેવી રીતે પહોંચવું?
સડક માર્ગેઃ
- સુ૨ત-બીલીમોરાથી ૨સ્તા માર્ગે જઈ શકાય છે. મહારાષ્ટ્ર રાજ્ય ત૨ફના માર્ગે આવતાં સાપુતારા થઈને વઘઈ જતાં ૨સ્તા માર્ગે જઈ શકાય છે.
- સુ૨તથી આવતાં વાંસદા-વઘઈ માર્ગે અંત૨ કિ.મી. ૧૭૦ જેટલું થાય છે.
- વઘઈ અને અમદાવાદથી રાજ્ય પરિવહન બસો અને ખાનગી લક્ઝરી કોચ ઉપલબ્ધ છે. જો તમે ખાનગી કાર લઈને આવતા હો તો કદાચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વધુ ઝડપથી પહોંચાડે તેમ બને, પણ રાજ્ય ધોરીમાર્ગ ખૂબ સુંદર કુદરતી દ્રશ્યોસભર રસ્તો પૂરો પાડે છે.
રેલ માર્ગેઃ પશ્ચિમ રેલવેના બિલિમોરા-વઘઈ નેરો ગેજ વિભાગ પર અહીંથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન વઘઈ છે. ગુજરાતમાંથી સુરત થઈને અથવા અમદાવાદ થઈને આવનારાઓ માટે કે મુંબઈથી આવનારાઓ માટે પણ, બિલિમોરા એ સૌથી સગવડભર્યું રેલવે મથક છે, અને અહીંથી સીધી બસ સેવા ઉપલબ્ધ છે
હવાઇ માર્ગઃ અહીંથી સૌથી નજીકનું વિમાનમથક સુરત 172 કિ.મી અને વડોદરા 309 કિ.મી. દૂર છે.
ક્યારે જવું?
ગીરા ધોધની મુલાકાત લેવાનો ઉત્તમ સમયગાળો જુલાઈ થી ઓક્ટોબર માસ છે. આ સમય દરમિયાન ચોમાસુ પુરબહારમાં હોવાથી જંગલની હરીયાળીની સાથે ધોધની સુંદરતાને પણ સારી રીતે માણી શકાય છે.
COURTESY : SHRIKANT SHAH




Recent Comments